સોમવાર, 29 માર્ચ, 2021

દરેકમાં જીવ હોય છે!

 કોઈના વળતરની આશા અથવા કોઈના ઉપકારને લીધે કોઈની મદદ કરવી એતો ખરી મદદ કે ઉપકાર ન કહી શકાય ને!પણ…. જ્યાં આવી કોઈ પરિસ્થિતિ ન હોય અને છતાં કોઈની મદદ માટે પોતાનું હૈયું મોકળું બને તો સમજવું કે તમે માણસ છો!

મારાં બાપુજીના મિત્ર અમારા ઘેરે અવારનવાર બેસવા આવતા, વાતો કરતાં, ગપાટા મારતા! તેવો એકીટશે પેલાં પાડાને જોઈ રહેલા અને પોતાનાં હોકાની એક ઊંડી કસ ખેંચીને બોલ્યાં, “પાલાભાઇ, તમારો આ પાડો રોજ પુરા વીસ રૂપિયાનો ચારો ઝાપટી જાય છે, એટલે મહીને છસ્સો થયા! અને બીજું ઉપરનું કામ તો ખરું જ!એક પાડોશી અને ભાઈબંધ તરીકે કહું છું કે, તમે આ તમારા ત્રણ છોકરાઓને ખાવારાવશો કે આ પાડાને?”, “બધાનું થઈ પડશે! જેનું જેટલું લેણું નીકળતું હશે એટલું ચુકવવું તો પડશે ને!મારાં બાપુજીએ જવાબ વાળ્યો અને એકીટશે પેલા પાડાને જોઈ રહ્યાં!

            મારાં બાપુજીને અમારા પ્રાથમિક શિક્ષણ અને રોજગારી માટે પોતાનું ગામ છોડી લીંબડીમાં રહેવાં આવાનું થયેલું. એક નવી-નવી સોસાયટી, વગડા વિસ્તારની એકદમ અડીને, હજુ પાણીની પણ લાઈનો પોચી નોતી. લગભગ એ વખતે ૧૫ થી ૧૭ જેવા ઘર હશે! બે વરસથી ત્યાં ભાડે રેતા. મને યાદ કે હું એ વખતે છઠું ધોરણ ભણતો, ૨૦૦૧-૦૨ની વાત!

          અમે બધાં મિત્રો મોઈ-દાંડિયા રમી રહ્યા હતાં, ત્યાં એક વ્યક્તિનો મોટો બૂમકારો સંભળાયો, એક પાડો એમના ઘરની વાડ ઠેકીને ભાગ્યો! હાથમાં દંડો લઈને અમે રમતાં ત્યાં સુધી આવી પોચ્યાં પેલાં પાડાને તાગાડવા! અમે બધા બાજુમાં ખસી ગયેલાં! ત્યાંથી પાછા વળતી વખતે અમારી સામું જોયી બબડ્યા,આ પાડાને પાઠ ભણાવવો પડશે, રોજ અમારી ભેશુંનો ચારો અને એમનું દૂધ પી જાય છે! હવે આવે તો એનો વારો જ પાડી દવ!

            એક-બે અઠવાડિયાથી જ આ પાડો દેખાયો હતો! અમારી વસાહતમાંથી એ પાડો કોઈનો પણ ન હતો! ખબર નઈ ક્યાંથી આવ્યો હશે, અમારા ઘરો બધાં વગડા વિસ્તારોની સાવ નજીક અને એ બાજુ ઘણા પશુપાલકો પોતાનાં ઢોર ચરાવવા આવતાં, કદાચ એમાંથી આ છુટ્ટો પડી ગયો હશે અને ભૂલો પડી અમારી સોસાયટી બાજુ આવી ચડેલો! સાવ નાનો હતો એ પાડો! કોઈ તેની ગોત કરતું હોય એવું ન લાગ્યું, કોઈ એને લેવા પણ ન આવ્યું હતું આટલા દિવસથી! પેલા ભાઈ જે ગરમ મિજાજમાં બબડતા હતાં માત્ર એમના જ ઘેરે બે-ત્રણ ભેશો હતી એટલે પેલો નાનો બાળ-પાડો એનાં ઘેરે પોચી જતો ચારો ખાવા! પણ આ લાવારીશ પાડાને કોણ સંઘરે…  અને આખી વસાહતમાં એ ફર્યા કરતો જ્યાં ત્યાંથી જે ખાવાલાયક મળતું એ ખાઈ લેતો! અને જ્યાં છાયો હોય ને કોઈ હેરાન કરે તેવું ન હોય ત્યાં સુઈ રેતો!

            પેલા નિર્દોષ બાળ-પાડાને ક્યાં ખબર હતી કે પેલો માણસ કે જેના ઘરનો ચારો એ ખાઈ જાય છે એના મનમાં એનાં માટે કેટલી ખુન્નસ પેદા થઈ ગઈ છે?

જયારે માણસને એવો ખ્યાલ આવે કે હું મારાં વેરની વસુલાત અર્થે એનું કઈ ખરાબ કે ખોટું કરીશ તો પણ મને કોઈ વ્યક્તિગત નુકશાન થવાનું નથી, ત્યારે એ માણસમાં ડર ન હોવાને લીધે એ સામેનું અહિત કરવા તલપાપડ થાય છે!

 પેલી વ્યક્તિએ મનમાં આતો લાવારીશ પાડો છે એ શું કરી શકવાનો? અને કોણ એના માટે કોઈ ફરિયાદ કરવાનું? કોણ પૂછવાનું કે કેમ એને માર્યું? એટલે આ ડોબાને એકવાર બરાબર માર પડશે તો જ એ મારાં ઘર બાજુ ફરકવાનું ભૂલશે!” એવું વિચાર્યું હશે અને એક સમયે મોકો મળી પણ ગયો! મોટું મજબુત લાકડું લઈ પોતાનો બધો ગુસ્સો પૂરી તાકાતથી પેલા અબોલ-અનાથ પર ઠાલવી ધીધોજેમ ફાવ્યું એમ માર્યું અને જ્યાં ફાવ્યું ત્યાં માર્યું! પોતાનાં ઘરથી થોડે દુર હાંકી કાઢ્યો! પેલી વ્યક્તિને હવે પાક્કો વિશ્વાસ હતો કે હવે ફરીથી આ જાનવર એના ઘેરે જવાની હિંમત નહિ જ કરે! ક્યાંથી હિંમત થાય, ‘ઢોરમારપડ્યો હતો, બીચારને!

            અમુક લોકોએ આ ઘટના જોયી હશેપણ કોઈએ કોઈ જ ખાસ વિરોધ પ્રગટ નઈ કર્યો હોય, કદાચ અમુક લોકો પણ ઈચ્છતા હશે કે હજુ મારો એને હજુ મારો!

કોઈ અન્યાય થતો હોય તો સૌપ્રથમ તો ન્યાય પ્રતે લગાવ હોય તો જ વિરોધ કરી શકાય! અહી તો કોઈને પણ ન્યાય, કે પેલા પાડા સાથે કોઈ જ લગાવ ન હતો! અને હિંમત પણ ન હતી કે પેલા વ્યક્તિને મારતા રોકે!

            એ દિવસ પસાર થયો અને બીજો દિવસ પણઅમારા ઘેરે તો એ પાડો રોજે આવતો પણ બે દિવસ થી એ દેખાયો ન હતો. મારાં બીજા મિત્રોના ઘેરે પણ ન દેખાયો! કદાચ એ એના કોઈ માલિકને મળી ગયો હશે અને એનો માલિક એને લઈ ગયો હશે એવું અમુકને લાગ્યું!

            સાંજ હતી, અને મારાં બાપુજીના મિત્ર અમારા ઘર બાજુ કોઈ કામથી નીકળેલા એટલે વિચાર્યું કે લાવ ત્યારે પાલાભાઇને રામરામ કરતો જાવ! થોડી વાત થઈ પછી આ પાડાની વાત નીકળીપાલાભાઇ, પેલા નરાધમે બિચારા પાડાને અધમુવો કરી નાખ્યો છે, પગ ભાંગી નાખ્યો હોય એમ લાગે છે!“,હેભગવાન મારાં બાપુજીએ પોતાનો હાથ-વણાટનો ખટારો બંધ કરી નિસાસો નાખ્યો!, “હમણાં ક્યાં છે?”, આમ સીમમાં એક ઝાડ નીચે બેઠો-બેઠો કણસી રહ્યો છે!”,”હાલો, જોવાં એને મારાં બાપુજી આટલું બોલી ઉભા થયા! હું પણ સાથે જવા તૈયાર થયો!

            વસાહતના ઘણા લોકો એને જોવાં આવતાં, પાણી પાતા, અને પછી નીકળી જતાં! કોઈને કઈ  ખાસ લાગણી જેવું દેખાયું ન હતું! પાડાની હાલત ગંભીર હતી, દવાખાને લઈ જઈ એની સારવાર પણ કોણ કરાવે? કોઈ એનો માલિક બનવા તૈયાર ન હતું? અનેઅમે પણ એ જ કર્યું, બસ એની હાલત પર બે નિસાસા નાખી, એના ભાગ્યને કોસીને, જીવ બાળીને બધાની જેમ અમે પણ ઘેરે આવી પાછા ગયાં!

            અમુક લોકોએ પેલી વ્યક્તિને ઠપકો પણ આપ્યો કે આવી રીતે કોઈ મૂંગા પશુને તે મારતું હશે? પણ કોઈએ પણ કઈ ખાસ મજબૂતાઈથી વિરોધ ન દર્શાવ્યો કે ઝગડો ન કર્યો!

રાત્રે જમવા બેઠા અમે લોકો! થોડું જમી હું અચાનક જ બોલ્યો, ” બાપુ, આપડે એને આપડા ઘેરે લઈ આવીએ?” મારાં બાપુજીએ મારી સામે જબકીને જોયું, થોડી પળ જોયી રહ્યા, પછી મારાં બાં સામું જોઈ જમવાનું ચાલુ કર્યું, કોઈ વળતો જવાબ કે પ્રતિભાવ ન આપ્યો!

જમી લીધા બાદ, મારાં બાપુજી અમારા પડોસીઓ પાસે ગયાં, થોડી મદદ માટે, એક નાની ખાટલી ખભે નાખી, મારી સામે જોયું! અને બોલ્યાં હાલ, એને લઈ આવીએ!” 

અમે તૈયાર થયા, રાત હતી એટલે બેટરી વગેરે વસ્તુઓ લઈ, પાડો જ્યાં હતો ત્યાં પોચ્યાં! તેને ખાટલીમાં નાખી, બધા લોકોએ ઉપાડી એને ઘેરે લઈ આવ્યા!

અમારા ઘરની સામે એક થાંભલો ત્યાં એને સુવડાવ્યોએની તપાસ કરી! એનો આગળનો જમણો પગ સોજાઈ ગયેલો, કદાચ ત્યાં જ ફ્રેકચર હતું! બાકીની થોડી ઘણી ઈજા સિવાય કશું તપાસી શક્યા નહી!

મુન્ના, આપડા ઘરમાં લાકડીઓની પટ્ટીઓ પડેલી છે, ૫-૬ લઈ આવ, સાથે મજબુત દોરી અને ચોખું કપડુંતારી બાંને કે એટલે આપશે!” બાપુજીનો આદેશ લઈ હું તરત જ દોડતો ઘરમાં ગયો, જરૂરી બધું લઈ આવ્યો અને સામે ધરી દીધું! પાડાના પગને વ્યવસ્થિત તપાસી, એને સીધો કરી, પેલી લાકડાની પટ્ટીઓ પગની આજુબાજુ ગોઠવી બરાબર …  અને આજુબાજુ કાપડ અને દોરીથી એક મજબુત પાટો બાંધી દીધો! એ સમયે વિચાર એવો લગાવેલો કે હાડકું તો આપોઆપ જ ઠીક થતું હોય છે એટલે પગ હલે નહી બસ એવી વ્યવસ્થા કરવાની હતી એટલે પાટો બાંધી દીધો! બાકી બધું એના ખાન-પાન પર નિર્ભર હતું કે એ કેટલો જલદી સાજો થાય છે!

            સવાર પડી, મારાં હાથમાં દસ રૂપિયાની નોટ મૂકી કીધું કે,જ્યાં ક્યાય પણ કડબનો પુળો કે ચારો મળે ત્યાંથી લઈ આવ! આ દસ રૂપિયામાંથી જે વધારે આપે એની પાસેથી જ લેજે! બાપુજીએ કીધું. મેં હાપાડી, મારી સાયકલ લઈને આખું લીંબડી જ ફરી વાળ્યો, લગભગ ૨ કલાક સાયકલ ચલાવી અને ૫ જગ્યાએ ઢોરમાટે ચારા મળતા હતા એમાંથી જેને મને વધુ આપ્યો એની પાસેથી ૧૦ રૂપિયામાં ચારો લઈ આવેલો, અને હું રોજે આવીશ એટલે હવે હું કાયમી ઘરાક છું એમ કહી થોડો નમતાં વજને ચારો લીધો! લગભગ એને ચાલી જાય એટલાં પ્રમાણમાં હતો, ઘેરે આવીને સીધો જ એને ચારો આપ્યો, એણે થોડું ખાધું અને થોડું બાકી રાખ્યુંપાણીની વ્યવસ્થા કરી! તડકો ન લાગે એટલે શણના કોથળામાંથી છાયો બનાવ્યો ચાર ઉભા લાકડા ખોડીને! 

એટલે હવે મારી દિનચર્યામાં એક નવો ટાસ્ક ઉમેરાયો હતો! સવારે ઉઠીને ૧૦ રૂપિયાનો ચારો લાવી એને વ્યવસ્થિત કાપીને ખવરાવવાનું પાડાને! એના ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી હવે મારી હતી! રોજે ચારો એને ન ફાવે એવું વિચારી, ક્યારેક શાકભાજીની માર્કેટમાં જતો અને ત્યાં શાકભાજીમાંથી નીકળતો વધારાનો ભાગ હું લઈ આવતોક્યારેક પૈસા ચૂકવી વધારે લઈ આવતો તો ક્યારેક તમારે આવા કચરાનું શું કામ? એટલે મને આપી દો, આમ પણ તમે એને ફેકી જ દેવાના અને માર્કેટનાં ઢોર એને ખાઈ જવાના, અમારે પણ એક પાડો છે તો એના માટે અમને આ આપી દો!” એવું કહી માંગી લાવતો! ક્યારેક વગડામાં કે ખેતરમાં શેઢે ઊગેલ નકામાં ઘાસને લઈ આવતો! 

            થોડું ઠીકઠીક ભોજન મળવાથી અને દેખરેખથી પાડો થોડો સારો બનતો જતો હતો, એ હવે એનો પાટાવાળો પગ ઉંચો રાખી ઉભો પણ રહી શકતો હતો! અમુક લોકો અમારા ઘેરે આવતાં તો અલગ અલગ અભિપ્રાયો આપતા જેને મારાં બાપુજી કાને ન ધરતા!

બે-ત્રણ અઠવાડિયા બાદ પેલા વ્યક્તિ કે જેણે પાડાને માર માર્યો હતો એ આવ્યા,”પાલા, કોઈએ નહી અને તે જ આ લાવારીસને આશરો આપ્યો?” આંખો જીણી કરી પેલી વ્યક્તિએ મારાં બાપુજીને પૂછ્યું!

દરેકમાં જીવ હોય છે! તમે ખોટું કર્યુંપણ હવે આ પાડો અમારા આશ્રયે છે, એટલે એને લાવારીશ ન સમજો! અમને એમ થયું કે આનું કોઈ નથી અને અમારે એને સાચવવો જોઈએ એટલે હું લઈ આવ્યો એને! હું આશા રાખું છું કે ગમે તેવું કારણ હોય તો પણ તમે હવે આ પાડાને કોઈ જ નુકશાન નહી પહોચાડો! અને જો એવું કઈ થશે તો મજા નઈ આવે!મારાં બાપુજીએ કડક જવાબ વાળ્યો.

એમ કઈ આવા રખડતા ઢોરની સેવા કરવાથી ભગવાન ન મળે કે દિવસો પાછાં ન વળે પાલા!પેલાં પોતાનાં પેટનું જોવાય અને પછી પારકાનું!હું પણ જોવ છુ કે ક્યાં લગી તું સાચવી શકે છે આ ને!એટલું બોલી પેલો વ્યક્તિ રવાનાં થયો.

            આમ ને આમ દિવસો અને મહિનાઓ પુરા થયાહવે પાડાનો પગ પણ સાજો થઈ ગયો હતો, ઉભો રહી અને ચાલી પણ શકતો હતો! લગભગ દશેક મહિના પસાર થઈ ગયાં! અમે એને ક્યારેક ચરાવવા પણ લઈ જતાં! હવે એને બાંધવાની જરૂર પણ ન હતી, એ પોતાની રીતે પણ હરતો-ફરતો પણ સમય થયે પાછો ગેરે આવી જતો!

આખી વસાહત હવે એને પાલાભાઈના પાડાતરીકે જ ઓળખતા!

            લોકો ક્યારેક અમારી જીવદયાના વખાણ કરતા અને ક્યારેક અમારી મુર્ખામી પર હસતા! પણ મારાં બાપુજી એ કશું ધ્યાનમાં ન લેતા! બસ જે કામ હાથ લીધું છે એ કર્યે રાખવામાં જ સમજતા!            

સમય વિતતા હવે એ મોટો થતો જતો હતો અને થોડાક ચારા માટે પણ પુરા વીસ રૂપિયા ચુકવવા પડતાં! પણ એનો ભાગ અલગ જ કાઢેલો, બધા ખર્ચની જેમ!

            ક્યારેક પડોશીઓ કેતા કે હવે એને એનાં ભાગ્ય પર છોડો, ક્યાં સુધી ખર્ચો વેઠશો! આ કઈ ભેંશ તો છે નઈ કે કાલે મોટી થઈને દૂધ આપશે!. અમુક લોકો એને ખાટકીવાડે વેચી આવો એવું પણ સુજાવતા!.

પણમારાં બાપુજીનો એક જ જવાબ હતો!,એનું લેણું પૂરું થશે એટલે એ આપમેળે જતો રેશે, અને હજુ એ નાનો છે એને આમ નોંધારો તો ન મુકાય ને!

લગભગ પોણા બે વરસ અમારી સાથે રહ્યો!

એક સવારે અમે ઉઠીને જોયું તો એનામાં કોઈ હરકત નોતીમારી ગયો હતો! રાત્રે કોઈ ઝેરી જીવ આવીને કરડી ગયું હોય એવું લાગ્યું!

ભગવાનની જેવી મરજી! એ મુક્ત થયો એની અમને રાહત હતી! અને એ હવે નથી એનું દુઃખ પણ!

પાલાભાઈ, એ તમારી પાસે ગયાં જનમનું કઈક માંગતો હશે, જે લેવા આવેલો! અને તમે એની સારી સેવા કરી, ભગવાન એનું વળતર આપશે તમને!” અમુક હિત્તેછુઓ ઘેરે આવતાં તો આવું કેતા! એના બદલામાં મારાં બાપુજી એવું કેતા કે,આપડે તો અજ્ઞાની માણસ છીએ, આપડને આ જીવની ગતિ વિશે શું ખબર પડે! અમને તો જે ઠીક લાગ્યું એમ કર્યું!

આજે પણ જયારે ખુશી, આરામ અને શાંતિનો અનુભવ થતો તો ક્યારેક મારાં બાપુજી એવું કેતા કે કદાચ આ પેલાં પાડાની કરેલ સેવાનું જ પરિણામ હોવું જોઈએ!

એટલેજાણે-અજાણે કરેલ દરેક સદ્કાર્મો અને ઉપકારો તમને જરૂરથી સમૃદ્ધિ અને શાંતિ આપે છે!થોડી દયા રાખો! માત્ર જીવ બાળે શું થવાનુંસહાય કરશો તો ભગવાન પણ એ ભાળશે!

-Mahesh Jadav

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો